આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા ડ્રાઇવર અને અન્ય બે કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ: અલીયાબાડા પીએચસી અને સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા હતા: કાલાવડ તાલુકાના બામણ ગામનો યુવાન આત્મહત્યાની ફરજ પાડવાના આરોપમાં પકડાયો હતો: આરોપીની ધરપકડની પ્રક્રિયા કરનાર પોલીસકર્મીઓમાં પણ ફફડાટ: આ ચારેય દર્દીના સંપર્કમાં આવેલા તમામની આરોગ્ય ચકાસણી માટે કવાયત શરૂ
જામનગર તા.13:
જામનગર જિલ્લામાં કોરોના કેસમાં આજે નવા ચાર કેસનો વધારો થયો છે. કેસનો વધારો અત્યાર સુધી મહદઅંશે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હતો. પરંતુ આજે આવેલા નવા ચાર કેસોમાં સ્થાનિક સંક્રમણ શરૂ થયું હોવાની વિગતો બહાર આવી રહી છે. જો કે સત્તાવાર રીતે આ અંગે પુષ્ટી કરાઇ નથી. પરંતુ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ચાર દર્દી પૈકી એક યુવાન ગઇકાલે આત્મહત્યાની ફરજ પાડવાના ગુન્હામાં કાલાવડ પોલીસના હાથે ઝડપાયો હતો. પરિણામે તેની ધરપકડની કાર્યવાહી સાથે જોડાયેલ કાલાવડ પોલીસ કર્મચારીઓમાં પણ હડકંપ મચી ગયો છે. જયારે અન્ય ત્રણ દર્દીઓ આરોગ્ય ખાતામા ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
જામનગર જિલ્લામાં અત્યાર સુધી આવેલા કોરોના પોઝીટીવ કેસો મહદઅંશે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરિણામે તંત્રને આંશિક રાહત હતી. પરંતુ આજે જે નવા ચાર કેસ નોંધાયા છે તેમા કોરોના વાયરસની ગાજ આરોગ્ય તંત્ર ઉપર પણ ત્રાટકી છે અને પોલીસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય થયો છે.
આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના જે ચાર નવા કેસ પોઝીટીવ નોંધાયા છે તેમા કાલાવડ તાલુકાના બામણ ગામનો 31 વર્ષનો યુવાન ગઇકાલે જ આઇપીસી કલમ 306 એટલે કે આત્મહત્યાની ફરજ પાડવાના ગુન્હા હેઠળ કાલાવડ પોલીસના હાથે પકડાયો હતો. જેની તબિયત શંકાસ્પદ લાગતા તેનું સેમ્પલ લેવાયું હતું. આ સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવતાની સાથે તેની ધરપકડની કાર્યવાહી સાથે જોડાયેલ પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને આ પોલીસકર્મીઓની પણ આરોગ્ય તપાસણી માટે તંત્ર કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત અન્ય ત્રણ પોઝીટીવ કેસ જે નોંધાયા છે જેમાં જામનગર તાલુકાના અલીયાબાડા ગામનો 30 વર્ષનો યુવાન આરોગ્ય ખાતાની ગાડીનો ડ્રાઇવર છે. જયારે લાખાબાવળ ગામનો 33વર્ષનો યુવાન અલીયાબાડા પીએચસી સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા. જયારે જામનગરનો 30 વર્ષનો યુવાન ફાર્માસીસ્ટ તરીકે સમરસ હોસ્ટે ખાતે ફરજ બજાવતો હતો.
ઉપરોકત નવા ચાર કેસને પગલે સમગ્ર જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પ્રજા માટે ચિંતાનો ગંભીર વિષય એ ઉભો થયો છે કે, ટ્રાવેલ હિસ્ટ્રીના કેસો બાદ સ્થાનિક સંક્રમણ પણ શરૂ થયું છે. સમરસ હોસ્ટેલ ખાતે રખાયેલ મહિલા દર્દીના સંપર્કમાં આવેલ હોવાને કારણે ફાર્માસીસ્ટ યુવાન કોરોનાના વાયરસનો શિકાર થયા છે અને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને પણ સારવાર આપવી શરૂ કરવામાં આવી છે. જો કે અન્ય ત્રણ યુવાનોને પણ સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવી છે.
Comments
Post a Comment