લોકડાઉનના પ્રથમ તબકકા પહેલા જ સરકારે મજુરોની હેરફેરનો સમય આપ્યો હોત તો ઘટના નિવારી શકાત: અગાઉ જો મજુરોને જવા દેવાયા હોત તો લોકડાઉન બાદ થોડા જ દિવસોમાં પરત ફરી શકત હાલાર સહિત રાજયભરના ઉદ્યોગો અને ખેતીક્ષેત્રેની ગાડી દિવાળી પહેલા સંપુર્ણપણે પાટે ચડવી મુશ્કેલ હોવાની ધંધાર્થીઓમાં ચર્ચા: જો મજુરોની તંગી ગંભીર સ્વરૂપની થશે તો મજુર આધારીત ક્ષેત્રના ધંધાઓ માટે પડયા ઉપર પાટુ જેવી હાલત થશે
જામનગર તા. 12:
જામનગર શહેર અને જિલ્લામાં બ્રાસપાર્ટ ઉદ્યોગ, ખેતીવાડી અને અન્ય ઉદ્યોગ ક્ષેત્રે વર્ષોથી કામ કરી પોતાનું તેમજ પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા હજારો શ્રમિકો વતન જવાની પ્રતિક્ષામાં છે. મજુરોને મોકલવાની શરૂઆત પણ થઇ ગઇ છે ત્યારે આગામી સમયમાં આ ક્ષેત્રોમાં મજુરોની અછત પડયા ઉપર પાટું સાબીત થશે તેવી દહેશત વ્યકત થઇ રહી છે. મજુરો અંગેની નિતી-નિર્ણય મામલે સરકાર થાપ ખાઇ ગઇ હોય તેમ લાગે છે. લોકડાઉન શરૂ થયા પહેલાં જ મજુરોની હેરફેર કરી દેવાઇ હોત તો લોકડાઉનમાંથી મુક્તિ બાદ મજુરોની અછતના પ્રશ્ર્નનો સામનો કરવાનો પડકાર પણ ટાળી શકાત.
જામનગર શહેરમાં આવેલ બ્રાસપાર્ટ ઉદ્યોગ આશરે એક લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. આ ઉપરાંત જિલ્લામાં ખેતી-વાડી ક્ષેત્રે તેમજ અન્ય ઉદ્યોગમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજુરો કામ કરી રોજગારી મેળવી પોતાના કુટુંબનું નિર્વાહ ચલાવે છે.
કોરોના વાઇરસ રોગના સંક્રમણને અટકાવવાના હેતુથી 22 માર્ચ-રવિવારે સમગ્ર દેશમાં વડાપ્રધાનની અપીલને માન આપી લોકોએ જનતા કફર્યુ પાળ્યો હતો. આ પછી 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન શરૂ કરાયું હતું. જેને આજે 40 દિવસ વિતી ગયા છે. હજુ 17 મે ના રોજ લોકડાઉન સમાપ્ત થઇ જ જશે તેની કોઇ ગેરેન્ટી વધતા કેસોને જોતા મળી શકે તેમ નથી. પરિણામે બ્રાસ, ખેતી સહિતના ક્ષેત્રે કામ કરતા શ્રમિકો નવરા બેસીને તેમજ પ્રાથમિક જરૂરીયાતની વસ્તુની તંગી, રોકડના અભાવ સહિતના પ્રશ્ર્નથી કંટાળીને વતન જવાની માંગણી કરી રહ્યાં છે.
સરકારે પણ આખરે તેઓની ઘરવાપસીની માંગણી સ્વિકારી ક્રમશ: રવાના કરવાનું શરૂ કર્યું છે. જામનગર જિલ્લામાંથી 6 હજારથી વધુ મજુરો નોંધણી કરાવીને વતન ગયા છે. જયારે વગર મંજુરી કે નોંધણી વગર બે થી ત્રણ હજાર લોકો વતન જતા રહ્યાનું મનાય છે. હજુ પણ વતન જવા માટે મજુરોની પ્રતિક્ષાયાદી સતત વધી રહી છે. જરૂર પડ્યે સરકાર ટ્રેન પણ દોડાવવા વિચારે છે.
ખાસ કરીને બ્રાસપાર્ટસ ઉદ્યોગ અને ખેતી-વાડી ક્ષેત્રની જ વાત કરવામાં આવે તો મજુરોના બધા માલિકોએ મજુરો માટે બધી વ્યવસ્થા કરી હોત અને પગાર જો ચાલુ રાખી શકયા હોત તો આટલી સંખ્યામાં મજુરો વતન જવાની વાત ન કરત. જો કે ધંધા નાના ધંધાર્થીઓ માટે વગર કામ કે ધંધે પગાર સહિતનું ખર્ચનું ભારણ સહન કરવું પણ આસાન નથી તેથી તેઓને જ સંપુર્ણ દોષ આપવો પણ વધુ પડતો ગણાય. પરંતુ કેટલાક કિસ્સા એવા પણ છે કે, સાધન-સંપન્ન કારખાનેદારોએ પણ પોતાની નૈતિક-સામાજિક ફરજ બજાવવામાં નિષ્ફળ ગયાનું ઉદ્યોગનગરમાં ચર્ચાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખેતી-વાડી ક્ષેત્રે કામ કરતા મજુરોમાં મધ્યપ્રદેશના જામ્બુવા, ખલીરાજપુર, ધાર જિલ્લાના ખેતમજુરો મોટા પ્રમાણમાં છે. જો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતિય મજુરો કામ કરે છે.
જામનગર જિલ્લાના મોટી ખાવડી, સિકકા, મેઘપર, ધ્રોલ, જોડિયા, કાલાવડ, જામજોધપુર પંથકમાં હજારો પરપ્રાંતિયો વસે છે અને રોજગારી મેળવે છે.
હવે જયારે પરપ્રાંતિય મજુરોએ વતનની વાટ પકડવી શરૂ કરી છે તેવા સમયે જ ઉદ્યોગનગરને ખોલવામાં આવ્યું છે અને મજુરોને વતન ન જવા વિનંતી કરવી પડી રહી છે. જો મજુરોની ઘરવાપસી ચાલુ રહેશે તો આગામી સમયમાં બ્રાસપાર્ટસ, અન્ય ઉદ્યોગ અને ખેતી-વાડી ક્ષેત્રે લોકડાઉન બાદ મજુરોની અછત ઉભી થશે જે ઉપરોકત ક્ષેત્રના ધંધાર્થીઓ માટે પડયા ઉ5ર પાટુ સમાન બનશે અને વધુ મુશ્કેલી-પડકાર ઉભો કરશે.
ખાસ કરીને ખેતીવાડી અને બ્રાસપાર્ટસ ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોમાંથી કેટલાકનું એવું પણ કહેવું છે કે લોકડાઉન જાહેર કરવાનું છે તેની ખબર સરકારને અગાઉ હતી તો લોકડાઉન જાહેર કરતા પહેલા પરપ્રાંતિય મજુરોની હેરફેર કરાવી લીધી હોત કે 4-5 દિવસનો સમય આપી જાહેર કરી દિધુ હોત તો અત્યારે જે અવ્યવસ્થા મજુરો અને તંત્ર બંને અનુભવી રહ્યું છે તે ન અનુભવત.
જો આમ કરાયું હોત તો બીજો ફાયદો એ થાય કે એક-બે મહિના બાદ વધુ થાળે પડત ત્યારે મજુરો રોજગારી માટે પાછા આવી શકત. પરંતુ હવે લોકડાઉન પછી પણ 3-4 મહિના સુધી મજુરો પાછા ફરે તેવી શકયતા ઓછી છે અને સંપુર્ણ પહેલાની માફક પૂર્વરત થતા સુધીમાં કદાચ દિવાળી આવી જાય. એટલે દિવાળી બાદ એટલે કે નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરથી ખેતી-બ્રાસ અને અન્ય ઉદ્યોગની ગાડી પાટે પડશે. આમ કોરોનાના કહેરના ભયમાં સરકાર મજુરોની હેરફેર બાબતે નિર્ણય લેવામાં થાપ ખાઇ ગઇ હોવાનું લાગે છે. પરિણામે લોકડાઉન પુરું થયા બાદ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખેતી-વાડી ઉપરાંત અન્ય ઉદ્યોગો કે જેમાં પરપ્રાંતિય મજુરોની સંખ્યા મોટી છે તેની ગાડી પાટી પડતા વર્ષ 2020 પુરું થઇ જાય તેવી શકયતા જાણકારો વ્યકત કરી રહ્યાં છે.
Comments
Post a Comment