તંત્ર મુક પ્રેક્ષક બની વ્યવસ્થામાં જોતરાયું : તમામને હોમ કોરોન્ટાઇનના આદેશ: સરકાર જ કરી રહી છે જાહેરનામાનો ઉલાળ્યો
જામનગર તા.11 :
જામનગરમાં એક સાથે અનેક કેસ પોઝીટીવ નોંધાયા બાદ કલેકટર દ્વારા જિલ્લાને સીલ કરી દીધો હોવા છતાં પણ અન્ય જિલ્લાઓમાંથી મંજુરી સાથે અનેક નાગરીકો જામનગર જિલ્લામાં પ્રવેશી રહ્યા છે. ત્યારે આશ્ર્ચર્યની બાબત એ છે કે જાહેરનામું હોવા છતાં વહીવટી તંત્ર અન્ય જિલ્લામાંથી આવતા નાગરીકોને મદદ કરી રહ્યું છે. કોરોના પોઝીટીવની હિસ્ટ્રી મુજબ મોટા ભાગના દર્દીઓ બહારથી આવેલા હોવાનું સામે આવ્યું છે અને તંત્રની આ બેવડી નીતિ શહેર-જિલ્લા માટે ચોકકસથી ઘાતક નિવડશે એમ બુદ્ધીજીવીઓ મત દર્શાવી રહ્યાં છે.
છેલ્લા પાંચ દિવસના ગાળા દરમ્યાન સંખ્યાબધ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે આ દર્દીઓ પૈકીના મોટા ભાગના દર્દીઓ બહારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીર ગણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ જામનગર જિલ્લાને જોડતા અન્ય જિલ્લાઓના રસ્તાને સીલ કરી દેવામાં છે. કલેકટર દ્વારા અન્ય જિલ્લાઓના કલેકટરને પત્ર પાઠવી જામનગર જિલ્લામાં આવવા માંગતા નાગરીકોને મંજુરી ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. છતાં પણ ગઇકાલથી વહીવટી તંત્ર જ બહારના જિલ્લાઓમાંથી આવતા નાગરીકોની વ્યવસ્થામાં જોતરાયું છે. જામનગર તાલુકાના વિકાસ અધિકારીએ પત્ર પાઠવી તાલુકાના લગત તલાટી કમ મંત્રીઓને હાજર રહી જે-તે નાગરીકોને હોમ કોરોન્ટાઇન કરવાની સુચના આપવામાં આવી છે.
બીજી તરફ કલેકટર દ્વારા સરહદો સીલ કરી કોઇને અહીં ન આવવાની સુફીયાણી સલાહો આપવામાં આવે છે અને બીજી તરફ બંધ બારણે નાગરીકોને પ્રવેશ અપાવી કાર્યવાહીમાં મદદનો હાથ પણ લંબાવવામાં આવે છે. આ કાર્યવાહી શું સુચવે છે ? એક તરફ તંત્ર દ્વારા કોરોનાની લડાઇ શરૂ કરાઇ છે તો બીજી તરફ આ જ લડાઇમાં નબળી કડી સમાન બહારના નાગરીકોનું જિલ્લામાં આગમનને લઇને પ્રોત્સાહન આપવામાં આવે છે. સુબુધ્ધ નાગરીકો તંત્રની આ કાર્યવાહીથી રોષે ભરાયા છે. જિલ્લામાં ફેલાયેલા કોરોના સંક્રમણ અન્ય જિલ્લાઓમાંથી જ ફેલાયો હોવાની વિગતો સ્પષ્ટ થવા છતાં પણ તંત્ર આટલી બેદરકારી દાખવે તે આશ્ર્ચર્યની વાત કહી શકાય.
Comments
Post a Comment