જામનગર તા.28 :
જામનગર મહાનગરપાલિકાની ફ્રુડ શાખા દ્વારા હાલના કોરોના વાયરસની મહામારીની સ્થિતિને ધ્યાને લઇ સઘન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે દરમ્યાન સાત કેરીઓના વેપારીઓના ગોડાઉન ઉપર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન અખાદ્ય આરોગ્યને હાનિકારક કેરીનો 580 કિલો જથ્થાનો નાશ કરાયો હતો અને દુધ, મીઠાઇ અને ફરસાણની 30 પેઢીઓ પર તપાસ હાથ ધરી સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાણવવા સેનીટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવા ફુડ સેફટી ઓફીસરે તાકીદ કરી હતી.
કોરોના વાયરસ સંદર્ભે જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોનું લોકોને હાનિકારક વેંચાણ ન થાય તે માટે મહાનગરપાલિકાના કમિશ્ર્નર સતીષ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 દિવસથી આરોગ્યની ફુડ વિભાગની ટીમ સઘન ઝુંબેશ ચલાવી રહી છે. આ ફુડ વિભાગની ટીમ દ્વારા હાપા માર્કેટીંગ યાર્ડ અફજલ નુરમામદની દુકાનમાંથી 30 કિલો સડેલ અખાદ્ય મોસંબીનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરેલ છે. આ ઉપરાંત દાડમ અને કેરી વાળા ચિરાગભાઇની પેઢી ઉપર દરોડો પાડી 50 કિલો સડેલા દાડમનો જથ્થાનો નાશ કર્યો હતો અને સમીરભાઇના કેરીના ગોડાઉન ઉપર તેમજ કેશુભાઇના કેરીના ગોડાઉન ઉપર ફુડ શાખાની ટીમ ત્રાટકી હતી અને 150 કિલો જેટલી સડી ગયેલ કેરીનો જથ્થો જોઇને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં અને તુરંત જ 300 કિલો કેરીના જથ્થાનો નાશ કરાવ્યો હતો. આ ઉપરાંત જગદીશભાઇ નાગપાલના કેરીના ગોડાઉનમાંથી 50 કિલો કેરી, ઇરફાનભાઇના કેરીના ગોડાઉનમાંથી 50 કિલો કેરી તેમજ સુનિલભાઇના કેરીના ગોડાઉનમાંથી 100 કિલો દાડમના બગડી ગયેલો જથ્થાનો નાશ કર્યો હતો. આમ ફુડ શાખાની ટીમ દ્વારા 7 કેરીના ગોડાઉનમાંથી 580 કિલો આરોગ્યને હાનીકારક કેરીના જથ્થાનો નાશ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત શહેરમાં આવેલ મીઠાઇ,ફરસાણ અને દુધની ડેરીઓ મળી કુલ 30 પેઢીઓ પર તપાસ હાથ ધરાઇ હતી અને આ પેઢીના સંચાલકોને સોશ્યલ ડીસ્ટન્સ જાણવવા તેમજ સેનીટાઇઝર તેમજ માસ્કનો ઉપયોગ કરવા ફુડ સેફટી ઓફીસર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી હતી. જામનગરમાં કેરીના વેપારીઓમાં આ ફુડ શાખાના દરોડાથી ફફડાટ ફેલાયો છે.
Comments
Post a Comment