જામનગર તા.19:
મુખ્યમંત્રીએ ગઇકાલે સાંજે નોન ક્ધટેન્મેન્ટ ઝોનમાં મોટા ભાગની વ્યવસાયિક પ્રવૃત્તિઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે શરૂ કરવાની મંજૂરી આપતી જાહેરાત કર્યાને પગલે આજે જામનગર શહેર અને જિલ્લામાં મોટાભાગના ધંધાઓને 55 દિવસના કારાવાસ બાદ મુકિત મળી છે. જો કે હજુ શૈક્ષણિક સંસ્થાઓ, ભીડ-ભાડ થઇ શકે તેવા ધાર્મિક સ્થાનો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો, જીમ, ગાર્ડન કે પિકનિક પોઇન્ટ હજુ 31મે સુધી બંધ રાખવામાં આવશે. સાર્વત્રિક વસતા વ્યસનીઓને પણ આથી પાન-મસાલા-તમાકુ-સિગારેટ ઉપલબ્ધ થવા લાગી છે. જો કે આજે તમાંકુ-સોપારીના હોલસેલરો આજે સાંજે બેઠક બાદ આવતીકાલથી ખોલવા અંગે નિર્ણય લેશે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કુલ 55 દિવસ સુધી લોકડાઉન રાખ્યા બાદ આજથી શહેરની બજાર મહદઅંશે ખુલી છે. 3 લોકડાઉન પુરા થયા બાદ ગઇકાલે સાંજે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનો હવાલો આપી મુખ્યમંત્રીએ વેપારી સહિતના લોકો માટે રાહતરૂપ જાહેરાતો કરી હતી. ક્ધટેમેન્ટ ઝોનના માપદંડ જાહેર કરાયા હતા.
ક્ધટેમેન્ટ ઝોનમાં દુધ-દવા-શાકભાજી અને અનાજ સિવાયના તમામ ધંધા પ્રતિબંધિત જાહેર કરાયા છે. જયારે નોન ક્ધટેમેન્ટ ઝોન કે જયાં કોરોનાના કેસ નોંધાયા નથી તેવા વિસ્તારમાં મોટાભાગની ધંધાકીય પ્રવૃત્તિને છુટ અપાઇ છે. આ છુટ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી રહેશે.
જો કે જામનગર જિલ્લામાં આજથી શરૂ થયેલી પ્રવૃતિમાં કપડા, ફૂડવેર, દરજી, સલુન, બ્યુટી પાર્લર, ફરસાણ-મિઠાઇ, મોચી, બેકરી, પાન-મસાલા, તમાકુ, બીડી-સિગરેટ, ખાનગી ઓફિસો, ઓટો રીક્ષા, ટેકસી, દવાખાના, ચશ્માની દુકાનો, ઇલેકટ્રોનીકસ શો-રૂમ, તમામ પ્રકારનો માલસામાન વેચતી દુકાનોના તાળા આજે 55 દિવસ બાદ ખુલી ગયા હતા.
જો કે સરકારની ગાઇડલાઇન મુજબ હજુ શાળા-કોલેજ, ટયુશન કલાસ, ધાર્મિક સંસ્થા-મંદિર, સીટી બસ, ટ્રેન-વિમાનની સેવા બંધ રહેવા પામી છે. આ ઉપરાંત સાંજના 7 થી સવારના 7 સુધી તમામ પ્રકારની (મેડીકલ ઇમરજન્સી સિવાય) અવર-જવર પ્રતિબંધિત રખાઇ છે.
પ્રોફેશનલ, કંપનીની ઓફિસોમાં 33 ટકા સ્ટાફ સાથે પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે. જો કે જામનગરમાં આજે એસ.ટી.બસ 10 વાગ્યા સુધી શરૂ થઇ ન હતી. સરકારે પાનની દુકાનોને છુટ આપી છે પરંતુ આજે ઘણી દુકાનો ખુલી ન હતી. કેટલીક દુકાનો હજુ દુકાનદારોએ ખોલીને કચરો કાઢતા હતા ત્યાં જ બંધાણીઓ પહોંચી ગયા ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત તમાકુ-બીડી-સિગરેટના જથ્થાબંધ વેપારીઓએ દુકાન ખોલવી શરૂ કરતા જ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના પ્રશ્ર્નો ઉભા થતા દુકાનો બંધ કરી દેવાઇ હતી. આ જથ્થાબંધ વેપારીઓની એક બેઠક આજે સાંજે મળશે અને તેમાં આવતીકાલથી કેવી રીતે દુકાન ખોલવી તે અંગે નિર્ણય લેવાશે.
આજે સવારથી 2 મુસાફરો સાથે ઓટો રીક્ષા પણ શહેરમાં શરૂ થઇ છે તેમજ બે મુસાફરો સાથેની ટેકસી સેવા પણ શરૂ થઇ છે. આમ 55 દિવસના લોકડાઉન સ્વરૂપના કારાવાસમાંથી ધંધા અને ધંધાર્થીને આજથી મુકિત મળી છે તેમજ લોકો પણ ખુશ છે.
Comments
Post a Comment