જામનગર જિલ્લાનો કોરોના પોઝીટીવનો આંક વધીને 33 ઉપર પહોંચ્યો
જામનગર તા.13
જામનગર જિલ્લાને જાણે કોરોનાની લપડાક સતત ચાલુ રહી હોય તેમ, આજે વધુ 4 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સાથે જ જામનગર જિલ્લાનો કોરોના પોઝીટીવ કેસનો આંક 33 પર પહોંચ્યો છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના પ્રવાહને લઇને વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે થયું છે.
જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ સતત પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગત સપ્તાહમાં 15 કેસ પોઝીટીવ નોંધાયા બાદ હજી પોઝીટીવ આવવાનો સીલસીલો ચાલુ રહ્યો છે.
જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આવેલી લેબોરેટરીમાં ગત્ રાત્રે આવેલા 22 સેમ્પલોમાંથી મોરબી જિલ્લાના 7 અને પોરબંદર જિલ્લાના 12 સેમ્પલનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત સેમ્પલોના પરિક્ષણમાં જામનગર જિલ્લાના વધુ 4 દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું સુત્રોએ જણાવ્યું હતું. જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલ કોરોનાના 28 પોઝીટીવ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગઇકાલે રાત્રે થયેલા પરિક્ષણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામસલાયા ગામના 7 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં.
જામનગર જિલ્લામાં આવેલા સરકારી અને ખાનગી ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં આજની સ્થિતિએ કુલ 1458 લોકોને રાખવામાં આવ્યા છે. જામનગર જિલ્લાનો કોરોના પોઝીટીવના કેસનો આંક વધીને 33 થયો છે.
Comments
Post a Comment