જામનગર તા.7
પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી હિઝરત કરી રહ્યાં છે. મધ્યપ્રદેશના હજારો મજૂરો બસ મારફત વતન પહોંચે તે પહેલાં 1200 મજૂરોને લઇને સ્પેશ્યલ ટ્રેન ગાઝીપુર (ઉત્તરપ્રદેશ) જવા માટે જામનગરથી ગઇરાત્રે રવાના થઇ હતી. આ પછી આજે બપોરે જામનગરથી બિહારના મુઝફફરપુર જવા માટે 1200 મજૂરોને લઇને વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં બ્રાસપાર્ટના કારખાના, અન્ય ઉદ્યોગો અને ખેતીવાડી ક્ષેત્રે મજૂરી કરતા મજૂરોની હિઝરત મોટાપાયે શરૂ થઇ છે. 40 દિવસના લોકડાઉન બાદ હવે મજૂરો પાસેથી અગવડતા અને ધીરજ બંન્ને ખૂટી પડતા તેઓ વતન જવા માટે મોટી સંખ્યામાં નામ નોંધાવી રહ્યાં છે.
જામનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ઉત્તરપ્રેશના 2400 અને બિહારના 1200 મજૂરોની યાદી અમારી પાસે તૈયાર છે. જેઓએ વતન જવા માંગણી કરી હતી. આ પછી પણ માંગણી (અરજી)નો મારો સતત ચાલુ છે.
રેલવે સાથે પરામર્શ કરીને ટ્રેનની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુર સ્ટેશન સુધી જનારી પ્રથમ સ્પેશ્યલ ટ્રેન ગઇરાત્રે જામનગર રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી હતી.
આ આયોજનની વિગતો સુરત કે અન્ય શહેરો જેવી અરાજકતા કે અંધાધૂંધી ફેલાય તેવી ઘટના ન બને તે હેતુથી સાર્વજનિક કરવામાં આવી ન હતી. બસોની વ્યવસ્થા કરીને ગઇકાલની ટ્રેનમાં જનારા ઉત્તરપ્રદેશના યાદી મુજબના 1200 મજૂરોનો સંપર્ક કરી તેઓને નવી સુચના આવે પછી જ તે સમયે ઘરની બહાર નિકળવા કહેવાયું હતું. આ લોકોને બપોરે 4:00 વાગ્યાથી બસોમાં બેસાડી રેલવે સ્ટેશને મોકલવાનું શરૂ કરાયું હતું.
રેલવે સ્ટેશન પાસે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મુસાફરોને કતારમાં ઉભા રાખી મેડીકલ ટીમ દ્વારા તપાસ કરાઇ હતી. બાદમાં તમામને ટિકીટ તેમજ ફૂડપેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી. શિસ્તબધ્ધ અને શાંતિપૂર્વક રીતે આ બધી કામગીરી સંપન્ન થઇ હતી. જે બદલ આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમને તેઓએ અભિનંદન આપ્યા હતાં તેમજ જરૂરી સહકાર બદલ રેલવે પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.
ગાઝીપુર રેલવે સ્ટેશન સુધી જઇ રહેલાં મજૂર પ્રવાસીઓ પાસેથી રૂા.725 લેખે ટીકીટભાડૂ વસુલ કરવામાં આવ્યું હતું. અનેક મજૂરોને આ માટે તેમના માલિકોએ મદદ કરી હતી તો કેટલાંકને પોલીસે ટીકીટ માટે પૈસા આપ્યા હતાં. જ્યારે અસંખ્ય મજૂરોએ પોતાના વતનથી બેંક ખાતા મારફત પૈસા મંગાવવા પડ્યા હોવાનું મજૂરોએ જણાવ્યું હતું. આ ટ્રેનમાં 1200 જેટલા મુસાફરો રવાના થયા છે જે આવતીકાલે તેમના વતન પહોંચશે.
આજ રીતે આજે જામનગર રેલવે સ્ટેશનથી બિહારના મુઝફ્ફરપુર સ્ટેશન સુધી જવા માટે પરપ્રાંતિય 1200 જેટલા મજૂરોને લઇને વધુ એક ટ્રેન આજે બપોરે 12:00 વાગ્યે રવાના થઇ હતી. આ મજૂરોને પણ ગઇકાલ પ્રમાણેની પ્રોસીઝર કરીને તેમજ ફૂડપેકેટ અને પાણીની બોટલ આપીને રવાના કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
આ તમામ પ્રક્રિયા વખતે રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ, જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, એએસપી સફીન હસન તેમજ કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની ટીમ ખડેપગે રહી હતી.
Comments
Post a Comment