તકેદારીના પગલા સાથે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાંના મહાસંકલ્પને સાર્થક કરવા જામનગર પ્રતિબદ્ધ
જામનગર તા.18
સુજલામ સુફલામ જળઅભિયાન 2020 અંતર્ગત જામનગરમાં લોકભાગીદારી અને વિભાગીય કુલ 164 કામો હાથ ધરવામાં આવ્યા છે. દરેક કામ કોવિડ-19ના સંક્રમણને ધ્યાને રાખી સંપૂર્ણ તકેદારી અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણેના પગલા લઈ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સામાજિક અંતર જાળવી સુજલામ સુફલામ જળ અભિયાન 2020 ની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસ કોવિડ-19 હેઠળ લોકડાઉન તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિંગ બાબતે અપાયેલ તેમજ ભવિષ્યમાં વખતોવખત અપાતી તમામ માર્ગદર્શિકાઓ અને સૂચનાઓના ચુસ્તપણે પાલન સાથે રાજ્યભરમાં સુજલામ સુફલામ જળઅભિયાનની કામગીરી ચાલી રહી છે.
જામનગર જિલ્લામાં પણ સુજલામ સુફલામ જળઅભિયાન- 2020 ત્રીજા તબકકાનો પ્રારંભ 20 એપ્રિલથી થયો છે અને હાલ તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં અંદાજિત રૂ. 432.18 લાખના કુલ 164 કામો હાથ ધરાયા છે, સાથે જ કોવિડ-19 સંદર્ભે કાળજી અને તકેદારી સારુ એક ટકા લેખે સરકાર દ્વારા રૂ 4.30 લાખ પણ આપવામાં આવશે.
સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં હાલ જળસંપત્તિ વિભાગના કુલ 104 કામો છે જેની અંદાજિત રકમ રૂ 187.03 લાખ છે જે પૈકી ક્ષાર અંકુશ વિભાગ જામનગર દ્વારા રૂ.92.86લાખના 46 કામોનો સમાવેશ થયેલ છે. આ કામો અંતર્ગત ચેકડેમ ઊંડા ઊતરવા,બંધારા ડિસીલ્ટીંગ વગેરે કામ સમાવિષ્ટ છે.
જિલ્લા પંચાયત વિભાગ જામનગર દ્વારા આ ત્રીજા તબક્કામાં રૂ. 26 લાખના 21 કામો હાથ ધરાશે, જેમાં વિવિધ ગામોના તળાવો ઉંડા ઉતારવાના કામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તળાવ ઉંડા ઉતારવાના કામને પુરજોશમાં જામનગર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. જામનગર તાલુકાના વરણા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવ ઉંડુ ઉતારવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે. આ તળાવને ઉંડા ઉતારવાના કામમાં સરકાર અને ગ્રામ પંચાયત દ્વારા 60:40ની લોકભાગીદારીથી સંપૂર્ણ કામ કરવામાં આવી રહ્યું છે. આ તળાવને ઉંડુ ઉતારાતા અંદાજીત રૂ. 5 લાખના ખર્ચે 16,338 ઘનમીટર જેટલી માટી ઉપાડવામાં આવશે. આ કામગીરી પુર્ણ થતાં 1 કરોડ 63 લાખ 38 હજાર લીટર પાણીનો જથ્થો આ તળાવમાં વધુ સંગ્રહીત થઈ શકશે.
વરણા ગામના ગ્રામજનો કહે છે કે, આ કામથી તળાવની આજુબાજુના વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંચું આવવાથી અમારા અને બીજા આજુબાજુના ગામોમાં પીવાના પાણી અને સિંચાઇમાં ખૂબ ફાયદો થશે. વળી આ કામથી તળાવમાંથી ઉપાડવામાં આવેલી માટી ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં નાખવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે. જેનાથી ખેત ઉત્પાદન વધુ સારું આવશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ ખૂબ સધ્ધર થશે. લોકડાઉનના સમયમાં આ તળાવ ઉંડુ ઉતારવાના કામમાં ગામના જ 50 થી વધુ લોકોને રોજગારી મળી રહી છે, જે માટે આ શ્રમિકો પણ સરકારનો આભાર માનતા થાકતા નથી.
સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ જામનગરના વિવિધ ગામોના ચેકડેમ ઊંડા ઉતારવાના કામોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં ઊંડ જળ સિંચન વિભાગ, જામનગર દ્વારા અંદાજિત રૂ 55.60 લાખના કુલ 31 કામો અને જામનગર સિંચાઈ વિભાગ દ્વારા અંદાજિત રૂ. 12.57 લાખના 6 કામ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત વન વિભાગ જામનગર દ્વારા રૂ 10.25 લાખના ખેત તલાવડી બનાવવા, ઊંડા કરવા અને ચેકડેમ ઊંડા ઉતારવા વગેરેના 9 કામો, ગ્રામ વિકાસ એજન્સી જામનગર દ્વારા તળાવ ઉંડુ ઉતારવા, ચેકડેમના કામ વગેરે રૂ. 102.03 લાખના 12 કામો અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ સમાવેશ કરાયા છે.
વોટરશેડ વિભાગ જામનગર દ્વારા અંદાજિત રૂ.9 લાખના 4 કામ દ્વારા વિવિધ ગામના ચેકડેમ ઊંડા ઉતારવામાં આવશે, તો મહાનગરપાલિકા જામનગર દ્વારા રૂ 60.47 લાખના કુલ 11 કામ લહેર ગામનું તળાવ ઉંડું ઉતારવાનું, કેનાલ સફાઈ અને નદી સફાઈના કામો કરવામાં આવશે તથા જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકા દ્વારા અંદાજિત રૂ. 63.40 લાખના ચેકડેમ તળાવો ઉંડા ઉતારવાના કામ, કેનાલ સફાઈ,વોંકળા તથા નદી સફાઈના 24 કામો હાથ ધરાશે.
છેલ્લા બે વર્ષથી બે તબક્કામાં રાજ્યમાં દરેક જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા સરકારના ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાંના મહાસંકલ્પને સાર્થક કરાઈ રહ્યો છે ત્યારે આ ત્રીજા તબક્કામાં પણ જળસંચયના નવા આવશ્યક કામો જામનગર જીલ્લામાં તંત્ર અને લોકોના સહકારથી પૂરજોશમાં ચાલી રહ્યા છે.
Comments
Post a Comment