બિહારના પટણા નજીક દાનાપુર સ્ટેશને શનિવારે સવારે પહોંચશે ટ્રેન : બપોરે 12 વાગ્યે ઉપડેલી ટ્રેનમાં 1616 શ્રમિકોને વતન જવાની તક મળી : અગાઉ 4 ટ્રેન યુ.પી. અને 2 ટ્રેન બિહાર માટે દોડી હતી
જામાનગર તા.14:
પરપ્રાંતિય મજુરોને તેના વતન મોકલવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સરકારની ગાઇડલાઇન મુજબ વ્યવસ્થા કરી રહ્યું છે. આજે વધુ એક ટ્રેન બિહાર માટે રવાના થઇ હતી. જેમાં 1600થી વધુ મજુરોએ વતનની વાટ પકડી હતી.
જામનગર જિલ્લામાં 1 લાખથી પણ વધુ પરપ્રાંતિય મજુરો ઉદ્યોગ અને ખેતીક્ષેત્રે કામ કરતા હતા. આ પૈકી 45 હજાર જેટલા મજુરો તેના વતન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વિગેરે રાજયોમાં બસ અને ટ્રેન મારફત મોકલવામાં આવી ચુકયા છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના મજુરોને ટ્રેન મારફત મોકલવાના વિકલ્પને પ્રાયોરીટીમાં અમલી બનાવાઇ રહ્યો છે.
અત્યાર સુધીમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર ઉત્તરપ્રદેશ અને બિહાર માટે 6 ટ્રેન જામનગરથી ખાસ મોકલી હતી. જેમાં 700થી વધુ મજુરોને વતન જવાની તક મળી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકો માટે 1100 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં કુલ 38000 જેટલા મજુરોને મોકલાયા હતા.
જામનગર જિલ્લા વહીવટી ઓફિસર રવિશંકરના જણાવ્યા અનુસાર રજીસ્ટ્રેશનના લીસ્ટ મુજબ શ્રમિકોનો મોકલવાની કામગીરી થઇ રહી છે. જેમનો પ્રવાસ નક્કી થાય તેને ફોન કરી સમય અને સ્થળ (બસ કે ટ્રેનનું) જણાવી તેડવા-મુકવાની વ્યવસ્થા કરાય છે. ટ્રેનમાં જતા મુસાફરોને ટ્રેનમાં રેલવે દ્વારા પણ ભોજન-પાણી આપવામાં આવે છે.
આજે 7મી શ્રમિક ટ્રેન જામનગર રેલવે સ્ટેશનથી બપોરે 12 વાગ્યે બિહારની રાજધાની પટના નજીકના દાનાપુર રેલવે સ્ટેશન સુધી જવા રવાના થઇ હતી. આ ટ્રેનમાં 22 કોચ લગાડવામાં આવ્યા છે. અને તેમા કુલ 1616 શ્રમિકોને આરોગ્ય તપાસણી કર્યા બાદ બેસાડવામાં આવ્યા હતા. આ ટ્રેન માટે જામનગરથી દાનાપુર સુધીનું મુસાફરી ભાડું રૂા.765 વસુલ કરવામાં આવ્યું હતું. આમ આજની ટ્રેન સહિત કુલ 7 ટ્રેનમાં સાડા આઠ હજારથી વધુ મુસાફરોને વતન રવાના કરાયા આજે બપોરે 12 વાગ્યે જામનગર રેલવે સ્ટેશનથી રવાના થયેલી આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન શનિવારે સવારે બિહારના દાનપુર રેલવે સ્ટેશને પહોંચશે તેમ રેલવેના સુત્રોએ જણાવ્યું હતું.
Comments
Post a Comment