જામનગર તા.8 :
જામનગરથી અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ ફરજ બજાવવા ગયેલા 24 ડોકટરો પૈકીના 19 ડોકટરોની ટીમ મોડી રાત્રે પરત ફરી હતી. જયારે 4 પોઝીટીવ સહિત પાંચ ડોકટરોને અમવાદ રોકીને સારવાર અપાઇ રહી છે. જામનગર આવેલા તમામ તબીબોને કવોરેન્ટાઇનમાં મુકી દેવાયા છે.
જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ અને ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના મેડીસીન તથા એનેસ્થેસિયા વિભાગના 9-9 રેસીડેન્ટ ડોકટર અને 3-3 સિનિયર ડોકટરોને ડેપ્યુટેશન ઉપર 1 લી મે ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મોકલાયા હતાં.
રાજયના આરોગ્ય કમિશ્ર્નરની સુચનાથી આ ટીમને જામનગરથી અમદાવાદ મોકલવામાં આવી હોવાનું મેડિકલ કોલેજના ડીન ડો. નંદીનીબેન દેસાઇએ જણાવ્યું હતું. અમદાવાદમાં ફરજ દરમ્યિાન જામનગરના ડોકટરોને ઇન્ફેકશન લાગ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
આ પૈકી પાંચ ડોકટરોમાં કોરોના જેવો રિપોર્ટ આવતા ડિટેઇલ રિપોર્ટ કરાયેલ અને સેમ્પલ લેવાયા હતા જેમાં કુલ 4 ડોકટરને કોરોના પોઝીટીવ આવ્યા હતા અને 1 નો રિપોર્ટ પેન્ડીંગ હતો. આ પાંચેયને અમદાવાદમાં કોરોન્ટાઇન સેન્ટર તરીકે રખાયેલી ખાનગી હોટલમાં રાખવામાં આવ્યા છે.
આ પાંચ સિવાયના બાકીના 19 તબીબોની ટીમ મોડી રાત્રે જામનગર આવી પહોંચી હતી. આ ટીમના સભ્યોને કવોરેન્ટાઇનમાં રાખવા માટે તેમના આગમન પુર્વે જ આરોગ્ય તંત્રે તૈયારી કરી લીધી હતી. ડીન બંગલો તેમજ લાખાબાવળ ખાતે આવેલ ખાનગી ટ્રસ્ટના લીલાવતી નેચરોપેથી સેન્ટર ખાતે જરૂરી સુવિધા ઊભી કરાઇ હતી. જયાં આ ટીમના સભ્યોને રાખવામાં આવ્યા હતાં.
Comments
Post a Comment