જામનગર તા. 18 :
જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને લઇને વધુ ત્રણ ટ્રેન યુ.પી. અને બિહાર માટે રવાના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 11 ટ્રેન રવાના થઇ ચુકી છે.
જામનગર જિલ્લામાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવાની પ્રક્રિયા સરકારી ગાઇડ લાઇન મુજબ હાથ ધરાઇ છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોને લાંબુ અંતર હોવાને કારણે ટ્રેન મારફત મોકલવામાં આવી રહ્યાં છે.
શનિવારે બે ટ્રેન રવાના થઇ હતી જયારે ગઇકાલે એક ટ્રેન ઉપડી હતી. આ પછી આજે સવારે 11 વાગ્યે વધુ એક ટ્રેન ઉત્તરપ્રદેશ માટે રવાના કરવામાં આવી હતી.
શ્રમિકોને બસ મારફત જામનગર રેલવે સ્ટેશને લવાયા હતાં. જયાં રૂા. 725 લેખે ભાડુ વસુલી ટિકીટ આપવામાં આવી હતી. આજે જામનગરથી દેવરીયા સીટી ઉત્તરપ્રદેશ સુધીની ટ્રેનનું સવારે 11 વાગ્યે પ્રસ્થાન થયું હતું. આ ટ્રેનને ત્રણ સ્ટોપ આપવામાં આવેલ છે. જેમાં કાનપુર, ગોંડા, અને ગોરખપુરનો સમાવેશ થાય છે. આ ટ્રેન સંભવત: આવતીકાલે બપોરે 2-15 વાગ્યે પહોંચશે. રસ્તામાં પાણી અને ભોજનની વ્યવસ્થા રેલવે દ્વારા કરાશે. આ ટ્રેનમાં 1400 જેટલા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતાં. આજ સવારે ઉપડેલી આ ટ્રેન 11 મી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન હતી.
Comments
Post a Comment