આ રોકાણ જિયોના ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના વિઝનને વેગ આપશે: જિયો પ્લેટફોર્મ્સે ગયા મહિનામાં દુનિયાનાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારો પાસેથી રૂ. 78,562 કરોડનું રોકાણ મેળવ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)માં ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે જાણીતી વિશ્વની અગ્રણી કંપની કેકેઆર રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે. આ કેકેઆરનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે અને જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકો હિસ્સો મેળવશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 કરોડ થયું છે અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.16 લાખ કરોડ થયું છે. ગયા મહિના દરમિયાન અગ્રણી ટેકનોલોજી રોકાણકારો ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ જિયો પ્લેટફોર્મ્સમાં કુલ રૂ. 78,562 કરોડનું રોકાણ કર્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિયોનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વૃદ્ધિનો લાભ મેળવી શકે.
કેકેઆરની સ્થાપના 1976માં થઈ હતી અને કંપની આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગસાહસો ઊભા કરવાનો અને ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યવસાયોમાં સફળતાપૂર્વક રોકાણ કરવાનો લાંબો રેકોર્ડ ધરાવે છે. કંપનીએ બીએમસી સોફ્ટવેર, બાઇટડાન્સ અને ગોજેકમાં પ્રાઇવેટ ઇક્વિટી અને ટેકનોલોજી ગ્રોથ ફંડ દ્વારા રોકાણ કર્યું છે. કંપનીએ શરૂઆતથી અત્યાર સુધી ટેક કંપનીઓમાં 30 અબજ ડોલર (કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યુ)નું રોકાણ કર્યું છે અને અત્યારે કંપનીનાં ટેકનોલોજી પોર્ટફોલિયોમાં ટેકનોલોજી, મીડિયા અને ટેલીકોમ ક્ષેત્રની 20થી વધારે કંપનીઓ છે. ઉપરાંત કેકેઆર માટે ભારત મુખ્ય સ્ટ્રેટેજિક માર્કેટ છે અને વર્ષ 2006થી કંપની દેશમાં રોકાણ કરી રહી છે.
આ સમજૂતી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “અમે તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસાવવા અને પરિવર્તન કરવાની સફર શરૂ કરી છે, જેમાં દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત નાણાકીય રોકાણકારો પૈકીની એક કંપની કેકેઆરને વેલ્યુ પાર્ટનર તરીકે આવકારવાનો મને આનંદ છે. ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના અમારા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક જેવું વિઝન કેકેઆર ધરાવે છે. કેકેઆર ઉદ્યોગમાં અગ્રણી ફ્રેન્ચાઇઝી તરીકેનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને ભારતમાં ઘણા વર્ષોથી કટિબદ્ધ છે. અમે જિયોના વિકાસ માટે કેકેઆરના ગ્લોબલ પ્લેટફોર્મ, ઉદ્યોગની જાણકારી અને કાર્યકારી કુશળતાનો ઉપયોગ કરવા આતુર છીએ.”
કેકેઆરના સહ-સ્થાપક અને કો-સીઇઓ હેનરી ક્રેવિસે કહ્યું હતું કે, “દેશની ડિજિટલ ઇકોસિસ્ટમને પરિવર્તિત કરવાની સંભવિતતા થોડી કંપનીઓ ધરાવે છે અને જિયો એ પૈકીની એક કંપની છે. જિયો ભારતમાં ખરાં અર્થમાં સ્વદેશી અદ્યતન ટેકનોલોજી લીડર કંપની છે, જે દેશમાં ટેકનોલોજી સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. જિયોએ ભારતમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ લીધું છે. અમે જિયો પ્લેટફોર્મ્સની પ્રભાવશાળી કામગીરી, આંતરરાષ્ટ્રીય સ્તરનાં ઇનોવેશન અને મજબૂત લીડરશિપ ટીમમાં રોકાણ કર્યું છે. અમે આ રોકાણના સીમાચિહ્ન અને મહત્ત્વપૂર્ણ રોકાણ ગણીએ છીએ, જે કેકેઆરની ભારત અને એશિયા પેસિફિકમાં અગ્રણી ટેકનોલોજી કંપનીઓને પીઠબળ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાનો સંકેત છે.”
કેકેઆરએ એના એશિયા પ્રાઇવેટ ઇક્વિટી અને ગ્રોથ ટેકનોલોજી ફંડ્સમાંથી રોકાણ કર્યું છે.
આ નાણાકીય વ્યવહાર નિયમનકારી અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે.
Comments
Post a Comment