જામનગર તા.29 :
જામનગરમાં મોબાઇલ ફોનમાં ગ્રુપ બનાવી ગીતો ગાતા પતિના વર્તનથી કંટાળી નેપાળી પત્નીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જયારે સ્વામીનારાયણ નગરમાં બેશુદ્ધ હાલતમાં જ વૃદ્ધનું મૃત્યું નિપજયું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં આપઘાત-અપમૃત્યુના વધુ બે બનાવો નોંધાયા હતાં જેમાં રણજીતસાગર રોડ પર આવેલ જડેશ્ર્વર મહાદેવના મંદિરની બાજુમાં રાહુલ હામોર્નિયમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા ભરતભાઇ તબીતબીહસિંગ ખડકા નામના નેપાળી ચોકીદારની પત્ની ગીતાબેન (ઉ.વ.21) એ ગઇકાલે ત્રણેક વાગ્યે પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પતિ ભરતભાઇએ જાણ કરતા સીટી એ ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી, મૃતદેહને જી.જી.હોસ્પિટલ ખસેડયો હતો. આ બનાવ અંગે ભરતભાઇએ પોલીસમાં કરેલી જાહેરાત મુજબ મોબાઇલ ફોનમાં પોતાના ગામનું ગ્રુપ બનાવી પોતે પણ તેમાં ગીતો ગાતા હતાં પતિના આ વર્તનથી કંટાળી તેણીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જયારે જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા કિરીટભાઇ શાંતિલાલ જોષી (ઉ.વ.62) નામના વૃદ્ધ ગત તા. 28 મી ના રોજ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર લીધી હતી. દરમ્યાન ઘરે આવી સુઇ ગયા બાદ તેઓ ન જાગતા પરિવારે બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડયા હતાં. જયાં સારવાર મળે તે પુર્વે જ તેઓનું મૃત્યું નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
Comments
Post a Comment