જામનગર તા.29:
જોડિયા તાલુકાના લખતર ગામ નજીક ગઇકાલે સાંજે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે આદિવાસી યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે. રોંગ સાઇડમાં આવતું મોટરસાયકલ ડમ્પરના આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
જોડિયા સહિત જિલ્લાભરમાં શોક જન્માવનાર અકસ્માતના આ બનાવની વિગત મુજબ ગઇકાલે સાંજે છ વાગ્યાના સુમારે જોડીયાથી 14 કિ.મી. દુર આવેલા લખતર ગામ નજીક એમ.પી.69એમસી-0231 નંબરનું મોટરસાયકલ સામેથી આવી રહેલાં ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. પલવારમાં સર્જાય ગયેલી આ દુર્ઘટનામાં બાઇક સવાર જોડિયા તાલુકાના મજોઠ ગામે ખેત મજુરી કરતાં બાઇક ચાલક દિલીપભાઇ ગનીયાભાઇ માવડા અને સુરબાન ઉર્ફે ભાયો રાયસીંગ પચાયા નામના બન્ને યુવાનોને માથા અને શરીરના ભાગે ઘાતક ઇજાઓ પહોંચતા બન્નેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યું નિપજ્યા હતાં. આ બનાવના પગલે ગભરાઇ ગયેલા ડમ્પર ચાલક મુકેશ દેવાભાઇ વરુ સ્થળ છોડી ધ્રોલ પહોંચ્યા હતાં. ત્યારબાદ જોડિયા પોલીસ દફતર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. રોંગ સાઇડમાં આવી ગયેલ મોટરસાયકલ ધડાકાભેર અથડાઇ જતાં ચાલકે ડમ્પર થંભાવી દિધુ હતું પરંતુ તે પુર્વે બન્ને બાઇક સવાર રસ્તા પર ફુટબોલની જેમ ફંગોળાઇ જતાં બન્નેએ ત્યાં જ દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે જોડિયા પોલીસે રોંગ સાઇડમાં બાઇક ચલાવી ડમ્પર સાથે અથડાવી અકસ્માત નિપજાવવા બદલ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Comments
Post a Comment