નવી દિલ્હી
કોરોના વાઈરસના કારણે આગામી સમયમાં જીવનશૈલીમાં અનેક ફેરફારો આવશે અને વિમાની સેવાનું સ્વરુપ પણ બદલાઈ જશે તેવા સંકેત છે. દેશમાં લોકડાઉનના અંત બાદ વિમાની સેવા ચાલુ થાય ત્યારે તેમાં સૌપ્રથમ સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ કેમ રાખવો તે અંગે સરકાર અને એરલાઈન વચ્ચે વાતચીત ચાલુ છે. ત્યાં હવે દરેક વિમાની મુસાફરે તેની એર ટીકીટ ખરીદતા સમયે તે કોઇપણ પ્રકારના વાઈરસથી સંક્રમિત નથી તેવું મેડીકલ સર્ટિફીકેટ પણ આપવાનું જરુરી બનાવાઇ રહ્યું છે.
એટલું જ નહીં વિમાની સેવામાં પણ માસ્ક તથા ગ્લોવ્ઝ ફરજીયાત બની જશે. સરકાર કમસેકમ જ્યાં સુધી કોરોનાનો છેલ્લો વાઈરસ વિદાય ન લે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રાખવા માગે છે. એરલાઈનના અધિકારીઓ, તબીબી નિષ્ણાંતો અને સરકાર વચ્ચે હાલ એક વાટાઘાટ ચાલી રહી છે. અને તેમાં કોરોનાની સ્થિતિમાં વિમાની મુસાફરી કઇ રીતે સલામત બનાવવી તે અંગેના ઉપાયો સાથે ઇન્ડીગો સહિતની એરલાઈને તો મુસાફરોના થર્મલ સ્કેનીંગ, મુસાફરને બોડીંગ પાસ સાથે માસ્ક અને ગ્લોવ્ઝ આપવાની તૈયારી કરી છે.
ઉપરાંત ચેકીંગ કાઉન્ટર ઉપર તથા એરપોર્ટની બસ સેવામાં સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રખાશે. ઉપરાંત હાલના તબક્કે વિમાની ઉડ્ડયન સેવા દરમિયાન આંતરિક સેવામાં કોઇપણ પ્રકારના ભોજન કે તેવી સુવિધા અપાશે નહીં. કેબીન ક્રૂએ પણ માસ્ક, ગ્લોવ્ઝ અને પ્રોટેક્ટીવ ગાઉન પહેર્યા હશે. આ તમામ પ્રાથમિકતાની સાથે મુસાફરની સંક્રમણની શક્યતાને નાબૂદ કરવા પણ પગલાં લેવાશે.
મુસાફરને તેની મેડીકલ હિસ્ટ્રી જો હોય તો તે આપવી જરુરી બનશે. ખાસ કરીને કોરોનામાંથી ઉગરેલા કે ક્વોરેન્ટાઈનમાં રહેલા માટે આ સ્થિતિ બનાવાશે. અન્ય મુસાફરોએ પોતાના તબીબનું સર્ટિફીકેટ આપવાનું રહેશે. બજેટ એરલાઈન માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક સીટ ખાલી રાખવી એ મોંઘુ પડે તેમ છે તેમ છતાં જ્યાં સુધી પ્રાથમિક તબક્કે કોરોના છે અને વિમાની સેવા ચાલુ કરાય તો તેમાં સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રખાશે.
કોરિયન એરલાઈને તો તેના ફલાઈટ ક્રૂ માટે પૂર્ણ પ્રોટેક્ટીવ ગાઉન, ગ્લોવ્ઝ વગેરેનો પ્રારંભ કરી દીધો છે. વિમાની મુસાફરીમાં મીડલ સીટ ખાલી રાખવાથી સોશિયલ ડિસ્ટન્સનો અર્થ પણ સરસે નહીં કારણ કે 3 સીટ વચ્ચેની જગ્યા 6 ફૂટથી ઓછી હોય છે અને મિડલ સીટ ખાલી રાખે તો પણ સંક્રમણની શક્યતા રહેશે.
Comments
Post a Comment