અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનું આક્રમણ યથાવત જ રહ્યુ છે. સરકાર દ્વારા સંક્રમિત આંકડા સાંજે જાહેર કરવામાં આવતાં હોવા છતાં આજે બપોર સુધીમાં કેટલીક ચોંકાવનારી આંકડાકીય વિગતો બહાર આવી છે. અમદાવાદમાં એક મહિલા કોર્પોરેટર ઉપરાંત બે શાકભાજીના ધંધાર્થીનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ગોપાલનગરમાંથી 14 કેસ ખુલ્યા છે જે સંક્રમણ ડેરીફાર્મમાંથી થયાની શંકા છે. વડોદરામાં નવા 15 કેસ બહાર આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં ત્રણ સહીત અન્ય શહેરોમાંથી પણ કોરોના પોઝીટીવ કેસ હોવાની વિગતો સાંપડી છે.
અમદાવાદમાં આજે બપોર સુધીમાં ગોપાલનગરમાંથી 14 પોઝીટીવ કેસ નોંધાયા છે.આ વિસ્તારની ક્રિષ્ના ડેરીમાં કામ કરતા કર્મચારીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ડેરીમાંથી કોરોનાનો ચેપનો ફેલાવો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાંથી આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ સિવાય રેકડીમાં શાકભાજી વેંચતા બે ધંધાર્થીઓને પણ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ વધી ગઈ છે. શાકભાજીનાં ધંધાર્થી કયા કયા વિસ્તારમાં ફર્યા હતા અને કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત સૌથી મોટી ચિંતારૂપ ઘટનાક્રમમાં સૌથી વધુ પ્રભાવીત કોટ વિસ્તારમાં ફરજ પર રહેલા એસઆરપીના વધુ 33 જવાનોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગોધરા એસઆરપીની કંપનીને અમદાવાદમાં બંદોબસ્ત માટે મુકવામાં આવી હતી ગત 22મીએ 17 જવાનોને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. આજે વધુ 33 જવાનોને કોરોના હોવાનું બહાર આવ્યુ છે. કોટ વિસ્તારમાં ફરજ પર રહેલા અન્ય 59 જવાનોને કવોરન્ટાઈન કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. એસઆરપીના 50 જવાનોનાં પોઝીટીવ રીપોર્ટથી સમગ્ર સુરક્ષાતંત્ર ખળભળ્યુ છે હવે બાકીનાં 59 જવાનોનાં રીપોર્ટની પ્રતિક્ષા છે.
આજ રીતે અમદાવાદમાં પોલીટેકનીક ખાતે આવેલ માહીતિ ખાતાની ઓફીસમાં સહાયક નિયામક લાલજી ચાવડાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ઓફીસ સીલ કરી દેવામાં આવી છે અને તમામ સ્ટાફને કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે.
Comments
Post a Comment